Anilkumar Rathwa (Sameer) 22 Sep 2026 ग़ज़ल समाजिक Google#bing#chhotaudepur#instagram 5032 0 Hindi :: हिंदी
મહેનતની આગમાં તપે જે, સોનું બનીને રહે છે, કાંટાની કેડી વટાવનાર, ફૂલ બનીને રહે છે. ક્ષણભરનાં સુખની પાછળ દોડે જે મન અંધ બનીને, હાસ્ય હોઠેથી ઓસરે, પસ્તાવો બનીને રહે છે. પરસેવાનું એકેક ટીપું ધરતીમાં ભલે સમાઈ જાય, કાળની કૂખે એ જ ટીપું, મોતી બનીને રહે છે. મૃગજળ સમી માયા ભલે આંખોને લલચાવે, અંતરની તરસ સદા ઝંખના બનીને રહે છે. અધર્મના દીવા તેજસ્વી લાગે રાત્રીની ક્ષણમાં, પ્રભાત થતાં એ રાખ બને, ધૂળ બનીને રહે છે. સત્યની વાટ કઠિન ખરી, પગલે પગલે શૂળ મળે, પણ સત્યનો એક પગેરો પણ, યુગોની વાણી કહે છે. જે સુખ માટે આત્માને પોતાની નજરમાં હારી બેસે, એ સુખ તો પળમાં વહી જાય, કલંક બનીને રહે છે. જે દુઃખને હસતાં હૈયે સ્વીકારી ધ્યેય તરફ આગળ વધે, તેની થાકેલી દરેક પળ, ગૌરવ બનીને રહે છે. સમીર, જીવનનો હિસાબ સમય કદી ખોટો નથી કરતો, કર્મ ભલે મૌન રહે, તેની ગાથા કાળ કહે છે.